પ્રાચીન કાળથી વિદેશી વેપારીઓ જમીનમાર્ગે ભારતની વાયવ્ય સરહદેથી ભારત આવતાં અને અહીંથી માલ ખરીદી યુરોપના દેશોમાં વેચતા. યુરોપ અને એશિયાના દેશોના વેપારમાર્ગનું મુખ્ય મથક ગણાતું કૉન્સ્ટેન્ટિનોપલ શહેર તુર્કોએ કબજે કર્યું. આ પરિણામે યુરોપ અને ભારત વચ્ચેનો વેપારમાર્ગ બંધ થયો. યુરોપના દેશોમાં ભારતનાં રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મસાલા, અને તેજાના માટેની માંગ વધી ગઈ. યુરોપના લોકોને ભારતના મસાલા અને તેજાના વગર ચાલતું ન હતું. તેથી તેમને ભારત સુધી પહોંચવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત પડી.