અર્થગ્રહણ : મગજના વિકાસ માટે માતૃભાષામાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે.
દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા ચોક્કસ હોય જ છે, તે જ્યારે પૃથ્વી પર પ્રથમ પગલું મૂકે છે ત્યારથી લઈને તેની સમજ આવે ત્યાં સુધી તે જે ભાષા સાંભળે છે તે તેની માતૃભાષા હોય છે.
એટલે કે બાળક ની આંખો ખુલતા જ અને કાનમાં અવાજ સાંભળવાની શરૂઆત થતા જ તે જે ભાષા સાંભળે છે તે તેની માતૃભાષા હોય છે એટલે કે તેને સૌથી વધારે અનુભવ તેની માતૃભાષાનો હોય છે.
જ્યારે તેના મગજ નો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે તેણે તેની માતૃભાષા માં જ દરેક વસ્તુ સાંભળી હોય છે. અને તે જીવે ત્યાં સુધી તેના આજુબાજુના વાતાવરણમાં પણ માતૃભાષા જ સાંભળતો હોય છે તેથી તેના મગજનો સૌથી વધારે વિકાસ માતૃભાષા થકી જ થાય છે.
એટલે તો કહેવાય છે કે બાળકના મગજનો વિકાસ કરવો હોય તો તેને માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ.
અને આ બાબત સમજવા માટે તમે તમારા ઘરે પણ પ્રયત્ન કરી શકો છો તમે તમારા બાળકને બીજી કોઈ ભાષામાં કોઈ વસ્તુ સમજાવવા પ્રયત્ન કરશો તો તે સરળતાથી નહીં સમજી શકે, પરંતુ તમે તેને જો તેની માતૃભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરશો તો તે વાત તે સરળતાથી સમજી જાય છે. કારણ કે તે વાત તેને માતૃભાષામાં સાંભળવી સારી પણ લાગે છે અને સમજ પણ ઝડપથી આવે છે.
કારણ કે તે તેની સૌથી પ્રથમ ભાષા છે તે જન્મ્યો ત્યારથી જ તે ભાષા શીખતો આવ્યો છે, અને તેના મગજનો વિકાસ પણ તે ભાષા થકી થયેલો છે, તેથી તે ભાષાને ઝડપથી પકડી લે છે પરંતુ આપણે આ દેખાડાની દુનિયામાં આજુબાજુ રહેતા લોકોની દેખાદેખીમાં આપણા બાળકને માતૃભાષામાં ન ભણાવતા બીજા કોઈ માધ્યમમાં ભણાવીએ છીએ ત્યાં આગળ આપણે તેને પ્રથમ ભાષા શીખવવા માટે મહેનત કરવી પડે છે પછી તેના જે વિષય છે તેનું શિક્ષણ આપવામાં પણ મહેનત કરવી પડે છે.
જ્યારે આપણે તેમને માતૃભાષામાં ભણાવીએ તો આપણે તેમને ભાષા શીખવવા માટે મહેનત કરવી પડતી નથી, સીધેસીધું જ એમને જે વિષયમાં ભણવાનું હોય છે તે વિષય ઉપર જ ભાર આપવો પડે છે તેથી બાળકને મહેનત પણ ઘટી જાય છે અને તેના માતા પિતાની મહેનત પણ ઘટી જાય છે, અને ધારેલું પરિણામ પણ મળી શકે છે તેથી મગજનો વિકાસ કરવો હોય તો બાળકને માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ.