૧ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિ

મહાદેવભાઈ દેસાઈની જન્મજ્યંતિ

મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો.

તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું.અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો.

શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ, વકીલાતનો વ્યવસાય છોડીને આશ્રમમાં જોડાઇ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું.

મહાદેવભાઇનું ભાષાપ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધું કે, ‘ મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે. ‘ તે આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાપુમય બની ગયા.

તેમણે કવિવર ટાગોરના ૨૫ જેટલા સુંદર અનુવાદો આપ્યા છે તો સામે ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે.’ મહાદેવની ડાયરી’ ના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે.એ ડાયરીઓ પચીસેક ભાગમાં પ્રગટ થઈ છે.

એમાં તેમણે આંખે દેખ્યા હેવાલની જેમ ગાંધીચરિત્ર અને હિન્દુસ્તાનના ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી છે.તેમને સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર અર્પણ થયો હતો.૫૦ વર્ષની વયે મહાદેવભાઇ દેસાઈ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૨ ના રોજ પુણેની આગાખાન પેલેસ જેલમાં હૃદય બંધ પડવાથી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા પણ, પોતાની અડધી જિંગ્ગીમાં આખી જિંદગીનું કામ કરતા ગયા.

બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમને અગ્નિદાહ દેવાયો.બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું,’ મહાદેવે મારામાં સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું. ‘૯ ઓગસ્ટ,૧૯૮૩ ના રોજ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી.

Sharing Is Caring:

Leave a Comment