ગણેશ ચતુર્થી નિબંધ
ગણેશ ચતુર્થી એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ગણપતિ બાપ્પાની આરાધનાને સમર્પિત છે. આ તહેવાર ભગવાન ગણેશના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની ચતુર્થીના દિવસે ઉજવાય છે, જે સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહિના દરમિયાન આવે છે.
ભગવાન ગણેશ વિઘ્નહર્તા અને બુદ્ધિપ્રદાતા ગણાય છે. તેઓ શુભકાર્યોની શરૂઆત પહેલા પૂજવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે, પરંતુ ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ આ તહેવારની ખાસ ઉજવણી થાય છે.
આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે, અને અનંત ચતુર્દશી પર ગણેશ મૂર્તિને વિસર્જિત કરવામાં આવે છે.
આ તહેવારની ઉજવણી ઘરોમાં અને જાહેર મંડપોમાં ગણેશ મૂર્તિની સ્થાપના કરીને કરવામાં આવે છે. ગણપતિ બાપ્પાની સ્થાપના દરમિયાન મંત્રોચ્ચાર અને પ્રાર્થનાઓ કરવામાં આવે છે. ગણેશજીને મોટે ભાગે લાડુ, મોદક અને પ્રસાદનો ભોગ ધરવામાં આવે છે, જે તેમને ખૂબ પ્રિય છે.
તહેવારના અંતિમ દિવસે, ગણેશજીની વિસર્જન યાત્રા શોભાયાત્રા રૂપે કાઢવામાં આવે છે, જેમાં હજારો ભક્તો ‘ગણપતિ બાપ્પા મોરયા’ ના ઉલ્લાસભર્યા નાદ સાથે ભગવાન ગણેશને વિદાય આપે છે. આ વિસર્જન યાત્રા ખૂબ મોટો સંદેશ આપે છે. કે તે જીવનના ચક્રનું પ્રતિક છે, જ્યાં જન્મ અને વિદાય બંને જીવનના એક અવિભાજ્ય ભાગ છે.
ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક મહત્ત્વ ધરાવતો તહેવાર નથી, પરંતુ સમાજમાં ભાઈચારો, એકતા અને સહકારની ભાવનાને પણ મજબૂત બનાવે છે. આ તહેવાર ભક્તિ અને આનંદનો અદ્વિતીય સમન્વય છે, જે લોકોના જીવનમાં નવચેતના અને ઉત્સાહ લાવે છે.
આ રીતે, ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને પરંપરાના મહત્વને વધુ ઊંડાઈથી સમજાવવાનો તહેવાર છે.